Lamentations 4

1સોનું કેવું ઝાંખું પડ્યું છે અને બદલાઈ ગયું છે.
પવિત્રસ્થાનના પથ્થરો શેરીઓના ખૂણે વિખેરાયેલા છે.
2સિયોનના અમૂલ્ય પુત્રો, જેઓનું મૂલ્ય સોના કરતાં પણ વધારે હતું.
પણ તેઓ કુંભારના હાથે ઘડેલા માટલાં જેવા કેમ ગણાય છે?

3શિયાળ પણ પોતાનાં બચ્ચાંને સ્તનપાન કરાવે છે, પણ

મારા લોકોની દીકરીઓ અરણ્યમાંની શાહમૃગી જેવી નિર્દય થઈ છે.

4સ્તનપાન કરતાં બાળકોની જીભ તરસને કારણે તાળવે ચોંટી રહે છે;

બાળકો રોટલી માગે છે, પણ કોઈ તેમને કશું પણ આપતું નથી.
5જેઓ મિષ્ટાન્ન ખાતા હતા, તેઓ શેરીઓમાં નિરાધાર થયા છે;
જેઓ રેશમી વસ્ત્રો પહેરતા હતા તેઓ ઉકરડા પર ગંદકીમાં આળોટે છે.

6મારા લોકોએ સદોમ કરતાં વધારે પાપ કર્યાં છે. સદોમમાં તો એક જ ક્ષણમાં બધું જ નાશ પામ્યું હતું,

તેના અન્યાય કરતાં મારા લોકોની દીકરીઓનો અન્યાય મોટો છે.

7તેના સરદારો બરફ કરતાં સ્વચ્છ હતા, તેઓ દૂધ કરતાં સફેદ હતા.

તેઓનાં શરીરો માણેક કરતાં રાતાં હતાં, તેઓનું રૂપ નીલમ જેવું હતું.
8પણ હાલ તેઓનું મુખ કોલસા કરતાં કાળું થયું છે અને તેઓ ફળિયાંઓમાં ઓળખાતા નથી,
તેઓની ચામડી તેઓનાં હાડકાંને વળગી રહેલી છે. તે સુકાઈને લાકડા જેવી થઈ ગઈ છે!

9જેઓ તરવારથી માર્યા ગયા તેઓ ભૂખે મરનાર કરતાં સુખી છે,

કેમ કે ભૂખ્યા માણસો ખેતરમાં પાક ન થવાથી બળહીન થઈને ઝૂરે છે.
10દયાળુ સ્ત્રીઓએ પોતાને હાથે પોતાના બાળકોને બાફ્યાં છે,
મારા લોકોની દીકરીના નાશને સમયે એ જ તેઓનો ખોરાક હતો.

11યહોવાહે પોતાનો ક્રોધ પૂરો કર્યો છે. તેમણે પોતાનો ભારે કોપ વરસાવ્યો છે;

તેમણે સિયોનમાં તેના પાયાઓને ખાઈ જાય એવો અગ્નિ સળગાવ્યો છે.

12શત્રુ કે વૈરી યરુશાલેમના પ્રવેશદ્વારમાં પેસશે,

એવું પૃથ્વીના રાજાઓ તથા પૃથ્વીના રહેવાસીઓ માનતા નહોતા.
13પણ પ્રબોધકોના પાપના કારણે અને યાજકોના અન્યાયને કારણે;
તેઓએ તેમાં ન્યાયીઓનું રક્ત વહેવડાવ્યું છે.

14તેઓ આંધળાઓની જેમ મહોલ્લે મહોલ્લે ભટક્યા. તેઓ લોહીથી એવા તો લથબથ હતા

કે કોઈ તેઓનાં વસ્ત્રોને અડકી શકતું ન હતું.
15“હઠો, હે અશુદ્ધો!” એવું લોકોએ તેઓને પોકારીને કહ્યું, “હઠો, હઠો! અને અમને અડકશો નહિ!”
તેઓ નાસીને ભટકવા લાગ્યા ત્યારે વિદેશીઓએ કહ્યું, “તેઓ ફરીથી અહીં વિદેશીઓની જેમ મુકામ કરશે નહિ!”

16યહોવાહના કોપે તેઓને એકબીજાથી જુદા પાડ્યા છે; તે તેઓ પર ફરી દ્રષ્ટિ કરશે નહિ.

તેઓએ યાજકોનું મન રાખ્યું નહિ અને તેઓએ વડીલો પર કૃપા કરી નહિ.

17અમારી આંખો નિરર્થક સહાયની રાહ જોઈ જોઈને થાકી ગઈ છે,

અમને બચાવી શકે એવા દેશની અમે ઘણી અપેક્ષા કરી છે, પણ તે વ્યર્થ થઈ છે.
18દુશ્મનો અમારી પાછળ પડ્યા હતા અને અમે રસ્તે ચાલી નહોતા શકતા.
અમારો અંત નજીક આવ્યો હતો અને અમારા દિવસો પૂરા થયા હતા, કેમ કે અમારો અંતકાળ આવ્યો છે.

19અમારી પાછળ પડનારાઓ આકાશના ગરૂડો કરતાં વેગવાન હતા.

પર્વતો પર તેમણે અમારો પીછો કર્યો અને અરણ્યમાં પણ અમારી પર તરાપ મારવા સંતાઈ ગયા.
20યહોવાહથી અભિષિક્ત થયેલો જે અમારા મુખનો શ્વાસ, અમારો રાજા,
જેના વિષે અમે કહ્યું કે, “તેની છાયામાં અમે દેશોમાં જીવીશું, તે તેઓના ફાંદાઓમાં પકડાયો.”

21અરે અદોમની દીકરી, ઉસ દેશમાં રહેનારી, તું હર્ષ તથા આનંદ કર,

તારી પાસે પ્યાલો આવશે. તું ચકચૂર થઈને પોતાને નિર્વસ્ત્ર કરીશ.
રે સિયોનની દીકરી, તારા અન્યાયની સજા પૂરી થઈ છે. તે તને ફરી બંદીવાસમાં લઈ જશે નહિ.
રે અદોમની દીકરી, તે તારા અન્યાયની સજા કરશે. તે તારાં પાપ પ્રગટ કરશે.
22

Copyright information for GujULB